બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજ કાલ ખુબ જ ચર્ચા માં છે,ઘણા લોકો એની વાત માં વિશ્વાસ કરી રહ્યા છે,તો ઘણા લોકો એનો વિરોધ કરી રહ્યા છે,ઘણા લોકો બાગેશ્વર બાબાને પડકાર કરી રહ્યા છે.સુરત સહિત અમદાવાદ અને રાજકોટમાં બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અંધશ્રદ્ધા તરીકેના આ કાર્યક્રમો છે એવું દર્શાવી અનેક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.
સુરતના હીરાના વેપારી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા પર કામ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચમત્કારના પરચા બતાવવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું- બાબા જો ખરેખર ચમત્કારી હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને હું 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ તેમને આપીશ અને એમાં કેટલા નંગ હીરા છે એ બાબા જાણાવી આપે તો તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી આ તમામ હીરા તેમનાં ચરણોમાં અર્પણ કરવા તૈયાર છું.
સુરતમાં આગામી 26 અને 27 મેના રોજ બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર તરીકે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. લિંબાયતના નીલગિરિ મેદાન ખાતે ભવ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત સહિત ગુજરાતના કાર્યક્રમોને લઇને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
સુરત સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર કાર્યક્રમને લઇ સુરતના હીરા વેપારી જનક બાબરિયાએ સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને પડકાર ફેંકી કહ્યું હતું કે સુરત ડાયમંડ નગરી છે, અહીં ચમકને સ્થાન મળે પણ ચમત્કારને નહિ.
જનક બાબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે અંધશ્રદ્ધા, ચમત્કાર અને દિવ્ય શક્તિને ગુજરાતમાં ક્યારેય સ્થાન મળ્યું નથી અને ક્યારેય મળશે પણ નહીં.વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના તમામ કાર્યક્રમો રદ થાય એ માટે સરકારને રજૂઆત કરીશું. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં અંધશ્રદ્ધાને વેગ આપતો દિવ્ય દરબાર આ કાર્યક્રમ રદ થાય એ માટે સોમવારથી તમામ કલેક્ટર કચેરીઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે અને કાર્યક્રમ રદ કરવાની માગ કરવામાં આવશે.