પલસાણા તાલુકાની હાલત કફોડી : વરેલી, બલેશ્વર અને હરીપુરામાં ખાડી પૂરની સ્થિતિ

બારડોલી : સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે પલસાણા તાલુકામાં અનેક ઠેકાણે ખાડી પૂરની સ્થિતિ સર્જાય હતી. તાલુકાનાં બલેશ્વર, વરેલી અને હરીપુરા ગામે અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સતત વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી.
વરેલી ગામ

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સતત વરસાદની અસર પલસાણા તાલુકામાં સૌથી વધુ જોવા મળી હતી. પલસાણા તાલુકાનાં અનેક વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં 5 થી 8 ફૂટ જેટલા પાણી ભરાય જતાં લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

વરેલી ગામમાં 20 જેટલા મકાનો અને ઝૂપડા પાણીમાં ડૂબી જતાં પરિવારોને સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરીપુરા ગામના નવી વસાહત ફળિયામાં 20 ઘરોમાં ખાડીના પાણી ફરી વળતાં લોકો ઘરવખરી અને કીમતી સમાન લઈને બહાર નીકળી આવ્યા હતા. સમગ્ર ઘટના પર વહીવટી તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
બલેશ્વર ગામ

પલસાણા નજીક બલેશ્વર ગામે 52 ગાળા વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાય ગયા હતા. તમામ અસરગ્રસ્તોને વહીવટી તંત્ર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. ગામમાંથી લગભગ 50 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અને તમામ માટે જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.  ખાડી પૂરને કારણે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.