ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય

ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીની તૈયારીઓ અન્ય પાર્ટીઓની જેમ જ કોંગ્રેસ દ્વારા તેજ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસે આવેલા અશોક ગેહલોતે આજે વડોદરામાં અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની બેઠકો શરુ કરી હતી. ત્યારે અશોક ગેહલોતે વડોદરામાં યોજેલી બેઠક દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય છે. હું 4 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહ્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને જોતા ગત વખતની જેમ જ આ વખતે ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન વિવિધ ઝોનમાં આયોજન થઈ રહ્યું છે. સૂરત, રાજકોટમાં બેઠકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ સાથે તેમને આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, અત્યારે મુકાબલો ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં રહેશે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય જોવા મળી રહી છે ત્યારે આ મામલે તેમણે આ વાત કહી હતી. આ સાથે અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની અંદર ખૂબ જ મજબૂત છે અને  હું અહીં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રણનીતિ બનાવવા જ આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા અશોક ગેહલોતનો આ પ્રવાસ ઘણો મહત્વનો કોંગ્રેસ માટે સાબિત થશે. કેમ કે, ગુજરાતમાં આગામી સમયમાં જલદી નવું લિસ્ટ ઉમેદવારોને લઈને જાહેર કરવામાં આવશે.