CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સતત સારુ રહ્યુ છે. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલ અને સોનલ પટેલે પેરા ટેબલ ટેનિસમાં સારુ પ્રદર્શન કર્યું છે. ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.
સોનલ બેન પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો હતો
આ સિવાય ભારતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતીય કુસ્તીબાજોનો દબદબો રહ્યો
ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. આ સિવાય ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ખેલાડીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
મેડલ ટેલીમાં ભારતની સ્થિતિ
ભારતે આઠમા દિવસે કુલ 14 મેડલ જીત્યા, તેમ છતાં ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને છે. ભારત પાસે 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ છે. ઓસ્ટ્રેલિયા 59 ગોલ્ડ, 46 સિલ્વર અને 50 બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. બીજી તરફ યજમાન ઈંગ્લેન્ડ 50 ગોલ્ડ મેડલ સાથે બીજા અને કેનેડા 22 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા નંબર પર છે, જે ભારતથી એક સ્થાન ઉપર છે