થાણેમાં પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન 100 ફૂટની ઊંચાઈએથી તૂટી પડતાં 17 મજૂરોનાં મોત, 6 કાટમાળ નીચે દટાયા.

થાણે (Thane ):મહારાષ્ટ્રના થાણેમાં વહેલી પરોઢે મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણ દરમિયાન શાહપુર પાસે એક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 17 લોકોના મોત થયા છે.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 1 વાગ્યે, કંટ્રોલને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી કે રાત્રે 12 વાગ્યે, થાણા જિલ્લાના સાતગાંવ બ્રિજ, સરલ અંબેગાંવ, શાહપુરમાં સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.

તૈયાર ફ્લાયઓવરનો ભાગ ક્રેનની મદદથી ઊંચકીને પિલર પર ફીટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક ગર્ડર લોન્ચર પડી ગયું હતું.હાઈવે પર બાંધકામ દરમિયાન ક્રેનનું ગર્ડર લોન્ચર પડી જવાથી 17  લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા, જ્યારે ત્રણથી વધુ વ્યક્તિઓને ઈજા થઈ હતી. હજુ પણ 5 થી 6 લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે.

સ્થળ પર સર્ચ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. થાણેના એસપી રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર હાજર છે.અહેવાલો અનુસાર શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે.