વડોદરામાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત ,પત્ની-પુત્રનું મોત, પતિની હાલત અતિ ગંભીર…

વડોદરા (Vadodra ): વડોદરામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે.આર્થિક સંકડામણના કારણે સામુહિક આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

મળતી જાણકારી મુજબ ,  કાછિયા પોળના રહેવાસી મુકેશભાઇ ભોગીલાલ પંચાલ (ઉં.વ. 47), તેની પત્ની નયનાબેન અને 24 વર્ષીય પુત્ર મિતુલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ગળામાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશભાઈ પંચાલને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.પિતા મુકેશ પંચાલ સિક્યુરિટીમાં કામ કરતા હતા. મકાન માલિકે કહ્યું પુત્ર કંઈ કામ કરતો નહતો. આખો દિવસ ઘરે બેસી રહેતો હતો.

મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો થયો છે. આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો હતો છેલ્લો દિવસ હતો.પોલીસને પંચાલ પરિવાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મકાનમાલિક મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેવું લખવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.