સુરતમાં સેલ્ફી લેવા જતો યુવક પહેલા માળેથી પટકાતા બ્રેનડેડ જાહેર થતાં પરિવારજનોએ એકના એક દીકરાના અંગોનું કર્યું દાન ..

સુરત (Surat ): ડાયમંડ સીટી તરીકે ઓળખતું સુરત હવે ઓર્ગન-ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે . મળતી જાણકારી મુજબ ,મૂળ ચિત્રકૂટના વતની અને સુરત શહેરના નવાગામ ડિંડોલીમાં આવેલા અશ્વિની પાર્કમાં ભૈયાલાલ મિશ્રા પરિવાર સાથે રહે છે.

તેમનો પુત્ર નીરજ મિશ્રા 17મી જુલાઇના રોજ સાંજે 5 વાગ્યે ભેસ્તાન વિસ્તારના  શોપિંગ સેન્ટરમાં મિત્રની બર્થ ડેની ઉજવણી કરવા ગયો હતો. એ સમયે મોબાઇલ ફોનમાં સેલ્ફી લેતી વખતે નીરજ નીચે પટકાયો હતો, જેથી તેને તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.ચાર દિવસની સારવાર બાદ 21મીના રોજ સવારે  ડોકટરે  બ્રેનડેડ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું

બ્રેનડેડ નીરજ પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું પેટિયું રળે છે. પરિવારે  સંમતિ આપતાં બ્રેનડેડ નીરજની આંખ અને બન્ને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને  મિશ્રા પરિવારે  એક ના એક દીકરા નું અંગ દાન કરીને માનવતા મહેકાવી હતી.