ગાંધીનગર (Gandhingr):આપઘાતના કેસમાં વધારો જ થતો જાય છે .એવામાં આજે ગાંધીનગરના દહેગામની બહિયલની નર્મદા કેનાલમાં બે સંતાન સાથે ઝંપલાવી પિતાએ કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના બીલાસણા ગામના વતની અને દહેગામ તાલુકાના કડજોધરા ગામે પીએચસીમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નોકરી કરતા ચેતનસિંહ માનસિંહ ચૌહાણ પત્ની રાધિકા, દીકરી ધરતી અને દીકરા જયપાલ સાથે રખિયાલ ગામમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. બે દિવસ પહેલાં પાંચમી તારીખે ચેતનસિંહે બંને સંતાનો સાથે બહિયલ નર્મદા કેનાલમાં સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યા બાદ મૃતકે લખેલી હોવાની મનાતી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં મૃતક યુવાનની પત્ની તેની પાસે ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવતી હોવાનો અને સગાંવહાલાં સાથે સંબંધ ન રાખવા માટે દબાણ કરતી હોવાના કારણે અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે.
તેણે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે સોરી… મમ્મી, પપ્પા ,ભાઈ અને બહેનો. હું આજે તમારાથી સદાયને માટે દૂર જઈ રહ્યો છુ. આ ચિઠ્ઠી વાંચીને તમને બહુ જ દુ:ખ થશે, પણ શું કરું, હું મારી પત્ની રાધિકા, મારી સાસુ સુખીબેન અને મારો સાળો અલ્પેશસિંહના ત્રાસથી મારે આ પગલું ભરવું પડ્યું છે.મારી પત્ની મને ઘરમાં રાત-દિવસ સતત ઝઘડા જ કર્યા કરતી,મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, મારા માતા-પિતા ભાઈ અને બહેનને પણ છોડાવ્યા, મારું કુટુંબ છોડાવ્યું એ તો ઠીક, બધું છોડી દીધું છતાંય મારી સાથે ઝગડા કરતી. મારા ઘરના કે બીજા મારા સંબંધી મારા ઘરે આવે તો પણ એ મારી સાથે ઝઘડતી. મને તો ત્યાં ના જવા દે, પણ મારાં માતા-પિતા કે ભાઈ કે બહેન મારા જોડે અહીં આવે તોપણ ઝઘડા કરતી. મારા સાસરામાં મારા સાળાને અને સાસુને ફોન કરીને બીજું બધું ના કહેવાનું પણ કહી દે, એટલે મારો સાળો મને ફોન કરીને તથા રૂબરૂ આવીને મને વારંવાર ધમકીઓ આપતા હતા કે તારી પર પોલીસ કેસ કરી ભરણપોષણનો દાવો કરીશું.
ત્યારે બે સંતાન સાથે પિતાની આત્મહત્યા મામલે ચેતનસિંહના પિતા માનસિંહ ચૌહાણ દ્વારા પુત્રવધૂ રાધિકા, ચેતનસિંહનાં સાસુ અને સાળા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવતાં દહેગામ પોલીસે વધુ તપાસ ધરી છે.