ગાંધીનગર (Gandhinagar ):આજકાલ બાળકો સતત મોબાઇલ જોતાં હોય છે અને ઘણીવાર આ જ બાળકો એમાં બ્લૂ ફિલ્મ પણ જોતાં હોય છે, ત્યારે પેરેન્ટ્સની જવાબદારી બને છે કે તેમને સમજાવવું કે મોબાઇલમાં શું જોવું ને શું નહીં’
બાળકને સેક્સ એજ્યુકેશન અને સામાજિકીકરણ દરમિયાન, એટલે કે તેના ઉછેરકાળ દરમિયાન તેમને શું સમજાવવું, એ જ પેરેન્ટ્સ કે સમાજ સમજાવી શકતો નથી. આ સમજણ નહીં આપીએ ત્યાં સુધી આગળના પ્રશ્નો સૉલ્વ થશે નહીં. આની શરૂઆત બાળકના ઉછેરથી કરવામાં આવે એ જરૂરી છે. દીકરી અને પિતા, દીકરો અને માતા ખુલ્લા મનથી વાત કરતાં થશે ત્યારે આ શક્ય બનશે. હવે સવાલ એ છે કે આ શરૂઆત કોણ કરશે?
પેરેન્ટ્સ બાળકો સાથે કેવી રીતે આ અંગે શરૂઆત કરે એ વાત સમજાવતાં ડૉ. અશોક જણાવે છે, ‘ઘણા ડૉક્ટર્સે આ અંગે બુક્સ લખી છે. પેરેન્ટ્સે આ વાંચીને શરૂઆત કરવી જોઈએ. સિમ્પલ વાત એ છે કે છોકરાને પિતા અને દીકરીને માતા સમજાવે. પેરેન્ટ્સના સંબંધો સંતાનો સાથે ફ્રેન્ડલી હોવા જરૂરી છે. અમુક વાત ન કરી શકાય એ માઇન્ડ સેટ બદલવાની જરૂર છે. તમારે સંતાનો સાથે સેક્સની વાત નથી કરવાની, પરંતુ તેના મનમાં ચાલતા સવાલોના જવાબ આપવાના છે. દીકરો પિતા કરતાં માતાની સાથે વધુ કમ્ફર્ટેબલ હોય છે અને તે સહજતાથી વાત કરી શકે છે.’
‘જો પેરેન્ટ્સ સેક્સ એજ્યુકેશનનો બેઝિક ભાગ સમજાવી દે તો તેવાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું શિક્ષક માટે સરળ થઈ પડશે. આપણા સમાજની કમનસીબી એ છે કે જ્યારે દીકરી માતાને આ અંગે કોઈ સવાલ કરે તો તેને એમ કહી દેવામાં આવે છે કે તારે બહુ સવાલો નહીં પૂછવાના, બસ આટલું ધ્યાન રાખવાનું. પેરેન્ટ્સ આ રીતે અધૂરું જ્ઞાન આપી દે છે અને તેઓ એવો પ્રયાસ કરે છે કે બાળકો આ પ્રકારના પ્રશ્નો ન પૂછે.
બાળકોને પેરેન્ટ્સ પાસેથી માહિતી ન મળે એટલે તેઓ ફ્રેન્ડ્સ સાથે ચર્ચા કરે છે, પરંતુ ફ્રેન્ડ્સ પણ તેમના જેવા જ હોય ને! એટલે છેલ્લે ચોપાનિયા કે ઇન્ટરનેટ પર વાંચે છે. આમાં વૈજ્ઞાનિક માહિતી હોતી નથી અને તેને કારણે બાળકો ગેરમાર્ગે દોરાય છે.’
સેક્સ એજ્યુકેશનની પૂરતી માહિતી હશે તો ટીનેજર્સ કે પછી બાળકો ક્યારેય સેક્સ કરતાં થશે નહીં. તેમને ખ્યાલ હશે કે આ કોની સાથે કરાય અને તેનાં પરિણામો શું આવી શકે છે? સેક્સ એજ્યુકેશનને કારણે બાળકોમાં આવતી વિકૃતિ અટકશે.’