રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાકની અંદર કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જારી કરાયું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં અનારાધાર વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે ત્યારે ફરી ઉત્તર ગુજરાતમાં આગાહી કરાઈ છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ સહીતના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદનું જોર થોડું ઓછું થશે. તેમાં પણ ફરીથી બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ જારી કરાયું છે. આ સિવાય કચ્છમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે.  રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર સહીતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે તમામ જિલ્લાઓ અને તાલુકામાં છૂટો છવાયો વરસાદ છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહ્યો છે. તેમાં પણ અંદાજિત 250 જેટલા તાલુકામાં ગઈકાલથી લઈને આજ સુધીમાં વરસાદ પડ્યો છે. અત્યાર સુધી ‌સિઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લાં 8 વર્ષની સરખામણીની વાત કરવામાં આવે તો રાજ્યમાં ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ નોંધાયો છે.