રાજકોટ, સુરત, ભરૂચમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ ભાવનગર શહેરમાં સાડા ચાર ઈંચ; પોરંબદર અને દ્વારકામાં રેડએલર્ટ

ગુજરાત(Gujarat):ભારે વરસાદની આગાહીને લઈને મેઘરાજાએ ગુજરાતમાં ખુબ રોન્દ્ર સ્વરૂપ ધારણ કર્યું છે,સુરત, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડએલર્ટ અપાયું છે.

ભાવનગર શહેરના મોટા ભાગના રસ્તાઓ પર  ખુબ જ પાણી ફરી વળ્યાં હતા. જેમાં સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.

સુરત સિટીમાં સૌથી વધુ વરસાદ લિંબાયતમાં ત્રણ ઇંચ પડ્યો છે. જયારે સેન્ટ્રલ ઝોનના અઢી ઇંચ, વરાછા એમાં પોણા બે ઇંચ, વરાછા બીમાં દોઢ ઇંચ, રાંદેરમાં અઢી ઇંચ, કતારગામમાં અઢી ઇંચ, ઉધનામાં અડધો ઇંચ અને અઠવામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. શહેરના રણજીતનગર, ઉદ્યોગનગર, જનતા ફાટક, બેડીગેઈટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરેલા જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગર પાસે આવેલો ધોળીધજા ડેમ 90 % ભરાઇ જવાથી વઢવાણ, ભડીયાદ, જોરાવરનગર, રતનપર, સાંકળી, ખમીસણા, મેમકા, નાના કેરાળા તેમજ લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, જાંબુ, પરનાળા અને રામરાજપર ગામના લોકોને બંધની ઉપરવાસમાં અબે નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તંત્રએ જાહેર કર્યું હતું.

અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચમારડી, વલારડી, ઈંગોરાળા, કુંવરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ ખુબ જ ધબડાટી બોલાવી હોવાથી જિલ્લાના ચારેય તાલુકા દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા,તેમજ અમુક નીચાણવાળા વિસ્તારમાં જળ બમ્બાકારની સ્થિતિ જોવા મળી હતી.