સુરતમાં 21 વર્ષીય યુવકને કાળમુખી ટ્રક ભરખી ગઈ ,બાઇક સવાર ત્રણ મિત્રોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત, એકનો પગ કચડાયો,જયારે એક બચી ગયો ..

સુરત (Surat ):મોટા શહેરોમાં અકસ્માત બંધ થવાનું નામ જ નથી લેતા ,હવે તો છાસવારે અકસ્માતના બનાવ સામે આવે છે એવામાં આજે એક અકસ્માતમાં 21 વર્ષીય યુવકને કાળમુખી ટ્રક ભરખી ગઈ હતી . મળતી જાણકારી મુજબ ,સચિનના ગભેણી ગામમાં સારંગ ફળિયામાં પરિવાર સાથે 21 વર્ષીય વિનમ્ર ખલાસી રહેતો હતો.

તે પોતાના મિત્ર ને કામ પરથી પરત લઈ ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે બાઇક સવાર ત્રણ મિત્રોને અડફેટે લઈ ભાગી ગયો હતો. રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા વિનમ્ર અને ધ્રુવને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા વિનમ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકને કાળમુખી ટ્રક ભરખી જતા પરિવાર સહિત આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે

મૃતકના મિત્ર ધ્રુવનો ડાબો પગ કચડાઈ ગયો હોવાથી તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો. હાલ એની હાલત સાધરણ છે. જોકે, આ અકસ્માતમાં એક મિત્રનો આબાદ બચાવ થયો હતો.

મૃતક વિનમ્ર પરિવારમાં મોટો દીકરો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. પિતા મિલમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે. વિનમ્ર ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હતો. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.