કચ્છમાં 1998 કરતાં પણ પરિસ્થિતિ ખરાબ,ચારેબાજુ તારાજી સર્જાઈ,છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ….

કચ્છ(Kachchh):’બિપરજોય’ વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.

‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે.મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું.કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે કચ્છમાં હવાની 108 કિમીની ગતિ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાત મુજબ 940 ગામોમાં વીજપોલ પડ્યા છે. હાલ દ્વારકામાં પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડામાં માનવમૃત્યુની હજુ ઘટના સામે આવી નથી. જ્યારે ઘાયલ લોકોનો આંક 22 છે. 23 પશુઓનાં મૃત્યુ થયાનો આંક પ્રાપ્ત થયો છે. .

ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે. જ્યારે 524 વૃક્ષો ધરાશાયી થયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જો આજે હવામાન સારું હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત‌ લઈ શકે છે.

 કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ : વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ છે. હવે 17જૂન સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, પાટણ, બનાસકાંઠા, વડોદરા, જામનગર, નવસારી, સાબરકાંઠાની શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

જામનગર(જામનગર):વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા સૂમસાન જોવા મળી રહ્યા છે. જીવન જરૂરિયાત વસ્તુની વાત કરવામાં આવે તો દૂધ તેમજ અન્ય વેપારીની દુકાન બંધ રહેતાં લોકોને રોંજિંદી વસ્તુઓ નથી મળી રહી. 100થી વધુ વીજપોલ અને અનેક વૃક્ષો ધરાશાયી થતાં અનેક વિસ્તારોમાં લાઈટ પણ ગુલ થઈ છે.