સુરત (Surat );સુરતના સચિન વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય રઘુવીર યાદવ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. પત્ની પ્રેગ્નન્ટ અને ડિલિવરીનો સમય થઈ ગયો હોવાથી વતનથી ભાભી નિર્મલાદેવીને કામ અર્થે બોલાવ્યાં હતાં.
એવામાં ભાભી ઘરે રહી કામ કરી રહ્યાં હતાં. આજે સવારે 8 વાગ્યે ઘરમાં પોતું મારી રહ્યાં હતાં. દરમિયાન દરવાજામાંથી નિર્મલાદેવીને કરંટ લાગ્યો હતો. કોઈ વાયર કટ થઈ ગયા બાદ દરવાજામાં કરંટ પસાર થયો હોવાનું લાગી રહ્યું છે.નિર્મલાદેવી ઘરે જ બેભાન થઈ જતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
6 દિવસ પહેલાં રઘુવીરની પત્નીએ પણ બાળકીને જન્મ આપ્યો હતો.બાળકીને જન્મતાંની સાથે ચામડીનો રોગ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેની હાલત ખૂબ જ ગંભીર હતી. 9 વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી 6 દિવસની બાળકીનું પણ મોત થયું હોવાની જાણ થઈ હતી, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.રઘુવીર યાદવની પત્નીની આ ત્રીજી ડિલિવરી હતી.
પહેલી મોટી દીકરી બાદ બીજી ડિલિવરી દરમિયાન પણ બાળકીનું મોત થયું હતું. જ્યારે હવે ફરી જન્મના 6 દિવસમાં જ દીકરીનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે પિતા અને માતા આઘાતમાં ભાંગી પડ્યાં હતાં.