સુરતનાં પાંડેસરા માં યુવકે બે મહિનાથી નોકરી ન મળતાં ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.

સુરત(surat):આજ કાલ લોકોમાં સહનશક્તિ ઘટી જવાને લીધે આપઘાત નાં કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે.સુરતમાં હજુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં પાંડેસરા વિસ્તારમાં 30 વર્ષે યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા બે મહિનાથી નોકરીની શોધમાં હતો. પણ નોકરી ન મળતાં તણાવમાં આવી અંતિમ પગલું ભરી લીધું હતું.

પુનિત નગરમાં 30 વર્ષીય અજય સોનવાણે ત્રણ વર્ષની દીકરી અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. અજય પરિવાર સાથે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.  અજયને નોકરી મળી રહી ન હતી.તેથી તે પરિવાર નું ગુજરાન ચલાવી ન શકવાને લીધે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

ઘરના રસોડામાં હૂંક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પત્નીએ બૂમાબૂમ કરી દીધી હતી તેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને અજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.  અજયના આપઘાતથી ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.