રાજકોટ(Rajkot):આજકાલ ની મહિલા સુખી થવાના ચક્કરમાં શુ કરી બેસે છે,ને કઈ હદ સુધી પહોચી જાય છે,એનો ખ્યાલ રહેતો નથી.રાજકોટમાં એવો જ એક બનાવ સામે આવ્યો છે.પરણિત મહિલાએ જીવનમાં સુખ-શાંતિ મેળવવા ટીવી જાહેરાતના માધ્યમથી તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. આ બાબાએ મહિલા સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા.
ભક્તિનગર વિસ્તારમાં રહેતી 41 વર્ષીય ભાવનાબેન વાઘેલા નામની પરણીતાએ જણાવ્યું હતું કે, માનસિક અશાંતિ દૂર કરવા તેમજ ઘરમાં સુખ શાંતિ થાય તે બાબતે તાંત્રિક બાબાએ વિધિ કરવાનું કહ્યું હતું. જે દરમિયાન તેમની સાથે 2,73,799 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
બાબાને પૈસા ચૂકવવા ઘરમાં રહેલા સોનાના દાગીના ગીરવી મૂકીને ગોલ્ડ લોન પણ મેળવી હતી. જે બાબતની જાણ ફરિયાદીએ તેમના પતિ કે દીકરાને પણ થવા નહોતી લીધી. તાંત્રિક બાબા દ્વારા ત્રણ મહિના સુધી મહિલા પાસેથી જુદી જુદી વિધિના બહાને રકમ પણ પડાવામાં આવી હતી.
પછી મહિલાને જાણ થતા કે પોતે છેતરાઈ રહી છે, તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ભક્તિનગર પોલીસ સ્ટેશને આરોપી તાત્રિકની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં આરોપી રાજસ્થાનમાં હોવાનું માલુમ પડતા પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાઓને આવી વાતમાં ફસાવવા બાબતે વારંવાર સમજાવવા છતાં અમુક ભોળી મહિલાઓ સુખ ની લાલચ માં ફસાય જતી હોય છે. આરોપીએ રાજકોટની મહિલા સિવાય અન્ય કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે તે મામલે વધુ તપાસ શરુ કરી છે, આ સાથે મહિલા સાથે છેતરપિંડી કરીને જે રૂપિયા પડાવવામાં આવ્યા છે તેને પરત મેળવવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા શરુ કરાયા છે.