રાજકોટમાં બે દિવસમાં ઓનલાઈનથી આવેલી નોકરાણી 7.24 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઇ ગઈ,દિલ્હીથી ઝડપાઈ.

રાજકોટ(Rajkot):આજકાલ જાતે કામ કરતા વધારે કામવાળી રાખીને કામ કરાવવામાં આવે છે,અત્યારે ઓનલાઈન પણ કામવાળી મળે છે,હવેથી ઓનલાઈન કામવાળી શોધતા પહેલાં ચેતી જજો.કારણ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક એવી મહિલાની ધરપકડ કરી છે જે પોતે જસ્ટ ડાયલમાં મેઈડ પ્લેસમેન્ટ એજન્સી તરીકે  કામ કરતી હતી.

કોઈ પણ જગ્યાએ ઘરકામ માટે રહી નોકરાણી તરીકે કામ કરતી, બાદમાં મકાનમાલિકનો વિશ્વાસ કેળવી એ જ મકાનમાં ચોરી કરીને ફરાર થઈ જતી હતી.શહેરના નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટ 202 નંબરના ફ્લેટમાં દિલ્હીથી નોકરાણી તરીકે આવીને માત્ર બે દિવસ ઘરકામ કરી લાખોની મતા લઈને ફરાર થઈ ગયેલી.

મહિલાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મહિના બાદ અંતે દિલ્હી ખાતેથી વેશપલટો કરીને ઝડપી પાડી છે.જસ્ટ ડાયલ થકી મેઈડ પ્લેસમેન્ટ એજન્સીના નામે કર્ણાટકના બેંગલુરુ, ઉતરાખંડના હરિદ્રાર, યુ.પી.ના મોરાદાબાદ સહિતના સ્થળે પણ ઘરોમાં ચોરી કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાએ જસ્ટ ડાયલ થકી દિલ્હીની મેઈડ પ્લેસમેન્ટ એજન્સીનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. અને તેમાંથી મહિલા અનુદેવી ઉર્ફે કલવતી ઉર્ફે સોની શકિતકુમોર મિશ્રાને ગત મહિને કામ પર રાખવામાં આવી હતી.

બે દિવસ ઘરકામ કર્યા બાદ મકાનમાલિક મહિલા બહાર ગયાં હતાં અને તેનો પતિ બહારગામ હતો જેથી મોકાનો ફાયદો ઉઠાવી ઘરમાંથી સોનાના દાગીના-વીંટી સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઇ ગઈ હતી.દિલ્હીમાં પણ મહિલા સતત પોતાનું રહેણાક બદલતી રહેતી હતી અને કોઈ પુરાવાઓ છોડતી નહોતી.

એ દરમિયાન મહિલાના રહેણાકની ચોક્કસ માહિતી મળી હતી. જે વિસ્તાર પણ સંવેદનશીલ હોવાથી રાજકોટથી પહોંચેલી ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી.આરોપી મહિલા મૂળ ઝારખંડ રાજ્યના રામગઢ જિલ્લાના દુદુઆ ગામની વતની છે. તે દિલ્હીમાં શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં ઘરકામ માટેની મહિલા બની  ઘરમાં હાથફેરો કરી ફરાર થઇ જતી હતી.

વિશાલ અને શ્યામ બન્ને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો અને જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી કોઇને કામવાળાની જરૂર હોય અને મદદ માટે જસ્ટ ડાયલમાં કોલ કરે તો ત્યાંથી નંબર મળતો હતો. નંબર પર સંપર્ક કરનારાઓને કામવાળી  માં  અનુદેવીને મોકલી દેવાતી હતી.

પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 19,000 રોકડ તેમજ 30,000 કિંમતના બે મોબાઈલ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 7.24 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.