બોટાદ (Botad): સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફુટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોને લઈને સર્જાયેલો વિવાદ હવે વકર્યો છે.સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં સ્વામીનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે.
આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
આ મુદ્દો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરવામાં આવી છે. આ ગરમાયેલા મામલાને થાળે પાડવા વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી, પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.
કચ્છમાં આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ હનુમાન દાદાના ભીંતચિંત્રોને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી.
આ મામલે મોરારિબાપુએ કહ્યું હતું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. આ વિવાદ બાદ મોરારિબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે.