રાજકોટ (Rajkot ): રક્ષાબંધનના પવિત્ર તહેવારના જ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધે તે પૂર્વે જ એક બહેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવો સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ , રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટમાં નારાયણનગરમાં રહેતી પરિણીતા વર્ષાબેન સુનીલ ઓળકીયા (ઉ.વ.20)એ આજે સવારે 10 વાગ્યે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ..
પોલીસની પ્રાથમિક તપાસમાં રક્ષાબંધનના તહેવારના દિવસે પરિણીતાને ગંજીવાડામાં રહેતા પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા જવું હતું. તેણે પોતાના પતિને આ અંગે વાત પણ કરી હતી. તેમ છતાં આજે સવારે વર્ષાબેનના સાસુ અને પતિ સુનિલ બંને વિંછીયા મામાજીના ઘરે જતા રહ્યા હતા. જયાં વર્ષાબેનના સાસુને તેના ભાઇને રાખડી બાંધવા જવાનું હતું.
પતિ જાણતો હતો કે, વર્ષાબેનને રાખડી બાંધવા માટે શહેરના ગંજીવાડામાં જવું છે, છતાં સુનિલ માતાને લઇ વિંછીયા જતા રહેતા આ વાતની વર્ષાબેનને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી .
પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘરે વર્ષાબેનના નણંદ અને દાદીજી બંને હાજર હતા. સવારે 10 વાગ્યે દાદીજી ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં વર્ષાને બોલાવવા માટે જતા તેણીએ રૂમનો દરવાજો ન ખોલતા પાડોશમાંથી અન્ય લોકોને બોલાવીને દરવાજો તોડતા વર્ષા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાશને મૃતકના પરિજનોને સોંપવામાં આવી હતી