સુરતમાં બે વ્યક્તિનાં અંગોના દાનથી સાતને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી ….

સુરત (Surat ): સુરત અંગદાન  જેવા સારા કામમાં  વધારે ખ્યાતી મેળવી રહ્યું છે.  સુરતથી એક જ દિવસમાં વધુ બે અંગદાન કરવામાં આવ્યાં છે. એમાંથી પેહલું અંગદાન કોલકાતાના રહેવાસી અને હાલમાં સુરતના પાલનપોર ગામ રોડ ખાતે પોતાના પરિવાર સાથે પંકજ કુમાર રહેતા હતા.ગત 5 જુલાઈના રોજ માથામાં દુખાવો થતાં અને શરીરમાં નબળાઈ લાગતાં પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન અને MRI કરાવતાં બ્રેઈનસ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું. જેમને 11 જુલાઈના રોજ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પંકજ કુમારની પત્ની શ્રુતકીર્તિએ જણાવ્યું હતું કે મારા પતિ બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા પતિનાં અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે અમે સંમત છીએ.

અને બીજું અંગદાન મૂળ રાજસ્થાનના રહેવાસી અને સુરતમાં ડુંભાલ ખાતે રહેતા ઉત્તમ દિનદયાલ ગુપ્તાને  12 જુલાઈના રોજ  બ્રેઈનડેડ જાહેર કરવામા આવ્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ઉત્તમના પરિવારના  સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને એની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જેથી પરિવારે અંગદાનની સંમતિ આપી હતી. બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં હૃદય અને ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલ, બે લિવરમાંથી એક લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ, બીજું લિવર સુરતની કિરણ હોસ્પિટલ અને બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી..

બે યુવકનાં અંગોના દાનને કારણે સાત વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમ્બાઇન ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.