વડોદરા (Vadodra ):વડોદરામાંથી આજે માત્ર હજાર રૂપિયા બાકી માટે હત્યા નો બનાવ સામે આવ્યો છે . પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલા દરિયાપુરા ગામની સીમમાં મહી નદીના કોતરમાંથી આધેડની હત્યા કરીને દાટી દીધેલી લાશ મળ્યા બાદ હત્યાનો ભેદ પણ પોલીસે ઉકેલી નાંખ્યો છે. માત્ર એક હજારની લેતીદેતીમાં આધેડની હત્યા કરી લાશ દાટી દીધી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે રહેતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય ગૂમ થઇ ગયા હતા. આ દરમિયાન તેમનો મૃતદેહ મુજપુર ગામ પાસે દરીયાપુર પાસેથી મહિ નદીના કોતરમાંથી ઉંધા મોંઢે દાટેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ અંગે પાદરા પોલીસે મૃતકના ભત્રીજા વિનુ હરમાનભાઇ પરમારની ફરિયાદના આધારે તપાસ શરૃ કરી હતી .મૃતક ગેમલસિંહ બપોરે દરિયાપુરમાં રહેતા ભૂપેન્દ્ર ઉર્ફે શકો ગણપત પઢીયારનો પૈસા માટે ફોન આવ્યા બાદ ઘેરથી નીકળ્યા બાદ લાપત્તા થઇ જતાં પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી હતી. પોલીસે ભૂપેન્દ્રને શોધી કાઢી તેની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાનો ભેદ ખૂલ્યો હતો.
પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ભૂપેન્દ્ર અને ગેમલસિંહ બંને લુપીન કંપનીમાં નોકરી કરતા હતાં. ગેમલસિંહે ૧૦ દિવસ પહેલાં ભૂપેન્દ્ર પાસેથી રૃા.૧ હજાર ઉછીના લીધા હતાં. આ પૈસાની ઉઘરાણી ભૂપેન્દ્ર વારંવાર કરતો હતો પરંતુ ગેમલસિંહ બહાના બતાવતો હતો.સોમવારે ગેમલસિંહને દરીયાપુરા ગામની સીમમાં પટાવીને બોલાવ્યો હતો અને તેના માથામાં કુહાડીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે બાદ તેની લાશ મહી નદીના કોતરોમાં દાટી દીધી હતી.
આજે પોલીસે દરિયાપુર સીમ વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.