અમદાવાદ (Amdavad): ગુજરાતમાં બહુચરાજી યાત્રાધામને લઈને મહત્વના સમાચારો આવ્યાં છે. રાજ્ય સરકારે નિર્ણય લેતા આઠેક વર્ષથી ઉંચાઈ વધારવા મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે . મંદિરના શિખરની ઉંચાઈ 81 ફૂટ જેટલી વધારવા માટે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના શિખરની ઉંચાઈ 71 ફૂટ કરવા સંદર્ભે જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે માતાજીનું મુખ્ય મંદિર નવું બનાવવામાં આવશે તેવી સરકારમાં વિચારણા છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બહુચરાજી મંદિરમાં માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઉંચાઈ હાલ 49 ફૂટ જેટલી છે. તેમાં વધારો કરીને 81 ફૂટ કરવામાં આવશે. ઉંચાઈ વધવાથી મંદિરનું પરિસર ભવ્ય અને દિવ્ય બનશે. આગામી સમયમાં મંદિર માતાજીના દર્શને આવતાં યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઉંચાઈ 81 ફૂટ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે સરકાર દ્વારા 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે આ મંદિર 49 ફૂટ લાંબુ અને 29 ફૂટ પહોળુ હતું. જ્યારે શિખરની ઉંચાઈ જોઈએ તો 56 ફૂટ હતી. આગામી 25 વર્ષને ધ્યાને લઈને ત્રણ તબક્કામાં મંદિરનો વિકાસ કરવામાં આવશે.
જુના મંદિરની સરખામણીએ નવા મંદિરનો દેખાવ યાત્રાળુઓની આંખોને ગમે તેવો નહીં હોવાથી હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા આ મંદિરનો વિકાસ કરવાનો નિર્ણય લેતાં મંદિર પહેલાં કરતાં વધુ ભવ્ય અને દિવ્ય બનશે.સરકારના આ નિર્ણયની સાથે છેલ્લા આઠેક વર્ષથી ઉંચાઈ વધારવા મુદ્દે ચાલી રહેલા વિવાદનો પણ હવે અંત આવ્યો છે.
બોલો જય માં બહુચરાજી