સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં આગથી જોખમી સ્ટંટ કરતાં યુવકનો ચહેરો દાઝ્યો, નીચે ઉભેલા યુવકોના જીવ અદ્ધર.. જુઓં વીડિયો …

સુરત (Surat ):કોઇપણ  તહેવાર હોય સુરતના યુવાનોમાં ભારે ઉત્સાહ  જોવા મળતો હોય છે. આ ઉત્સાહના અતિરેકમાં જીવનું જોખમ પણ ઊભું થઈ જતું હોય છે. આ પ્રકારની જ ઘટના સુરતમાં સામે આવી છે. મળતી જાણકારી મુજબ ,એસ.ડી.જૈન કોલેજમાં મટકીફોડનો કાર્યક્રમ હતો. સ્ટંટબાજી કરવા એક ગ્રૂપને બોલાવવામાં આવ્યું હતું જે સમયે આ બનાવ બન્યો હતો.

એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો.  પેટ્રોલ ફૂંકી હવામાં આગ લગાડવાની કરતબબાજી ચાલી રહી હતી તે દરમિયાન પેટ્રોલ મોઢા પર પડતા આગ મોઢા પર લાગી હતી. સદનસીબે પેટ્રોલ વધુ પ્રમાણમાં ન હોવાથી આગ તરત ઓલવાઈ ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ,, યુવકો પિરામિડ આકારમાં એક પર એક ઊભા રહીને એક યુવક આગથી સ્ટંટ કરી રહ્યો છે. યુવકે આગની જ્વાળા સળગાવતાં તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો. યુવકે હાથમાં રહેલું જ્વેલનશીલ પદાર્થ ફેંકીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય કેટલાક નીચે ઊભેલા યુવકોએ પણ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી. આ પ્રકારના સ્ટંટ ઘણી વખત સ્ટંટ કરનાર અને તેની આસપાસ ઊભેલા લોકો માટે પણ જોખમી પુરવાર થાય છે.