આ 9 સ્થળોએ માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ

રાજકોટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં તા 28 જાન્યુઆરી 2023થી શહેરના વિવિધ 9 સ્થળો પર આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત પ્રયાસે આ યોજના શરૂ કરવામાં આવી છે. શ્રમિકોને પુરૂતુ ભોજન અને એ પણ માત્ર 5 રૂપિયામાં મળી શકે તે માટે રાજકોટમાં શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.રાજકોટમાં 9 સ્થળે રૂ. 5માં ભોજનની શ્રમિક અન્નપુર્ણ યોજનાનો શુભારંભ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ મંત્રી ભાનુબેનના હસ્તે કરવામાં આવી છે. માં અન્નપૂર્ણાએ જેમ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવી હતી.જે જ રીતે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ચિંતા કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ કરાવ્યો છે.

શહેરમાં 18 જેટલા મજૂર નાકાઓ પર 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપર્ણા યોજનાનો કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો. મંત્રી પ્રફુલ પાનસેરિયા એ શ્રમિકો માટે બનાવેલ ભોજન ખાઈ શુભારંભ કરાવ્યું છે. શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજ રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૈયા ચોકડી નજીક આવેલા કડિયા નાકા પાસે આયોજિત સમારંભમાં મંત્રી ભાનુબેને જણાવ્યું હતું કે કોરોના પહેલા આ યોજના 12 જિલ્લાના 36 શહેરમાં 119 જેટલા કડિયા નાકા પર કાર્યરત હતી. પણ કોરોના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ અને ગાંધીનગર ખાતે આ યોજનાનો પુનઃ પ્રારંભ કરાવ્યો છે. હાલ વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ 81 કેન્દ્રો પર આ યોજનાની અમલવારી શરૂ થઈ ચુકી છે.

આ યોજના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની હોવાનું ભાનુબેને જણાવ્યું હતું. બાંધકામ શ્રમિકોને ફક્ત રૂ. 5માં એક ટંકનું પોષણયુક્ત ભોજન આપવાની સાથે શ્રમિકોના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ધન્વંતરિ રથ દ્વારા શ્રમિકોને નિદાન-સારવાર તેમજ 17 જેટલા બ્લડ રીપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. મંત્રી ભાનુબેને આ તકે શ્રમિકોને રવાનો શીરો, બે શાક, પુલાવ, રોટી સહિતનું ભોજન પીરસી શ્રમિક મહિલાઓ પ્રતિ સમભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ ધન્વંતરિ રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ રૂ. 1.60 લાખ સહાયના ચેક અર્પણ કર્યા હતાં.

રાજકોટ શહેરના રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ, પાણીના ઘોડો કડિયા નાકુ, રામ રણુજા કડિયા નાકુ, નીલકંઠ કડિયા નાકુ, ગંજીવાડા કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહિત શ્રમિક અન્નપુર્ણા યોજનાનો આજથી 9 સ્થળોએ શુભારંભ કરાયો છે.