વડોદરામાં કૌટુંબિક કંકાસના કારણે પરિણીતાએ આપઘાત કરતાં સાસરી અને પિયર પક્ષ વચ્ચે હોસ્પીટલમાં જ મારામારી અને તોડફોડ કરી આતંક મચાવ્યો.

વડોદરા (Vadodra ):વડોદરા શહેરમાં નંદેસરી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેના  પરિણામે બંને પક્ષના સગાઓ વચ્ચે સયાજી હોસ્પિટલમાં જ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા સગાઓએ તોડફોડ પણ કરી હતી.

મળતી જાણકારી  અનુસાર, નંદેસરી દામાપુરામાં રહેતી ૨૩ વર્ષની પાયલ પ્રફુલ્લભાઇ સોલંકીના પતિ પંચાયતમાં નોકરી કરે છે. આજે બપોરેસ તેણે પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બપોરે  પતિ નોકરીથી ઘરે  પરત આવતા બનાવની જાણ થઇ હતી.

પાયલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. પાયલના મોતના પગલે તેના  પિયરના લોકો ઉશ્કેરાયા હતા. પિયર અને સાસરી પક્ષના લોકો વચ્ચે સયાજી હોસ્પિટલમાં જ મારામારી થઇ હતી. જેના  પગલે  દોડધામ મચી ગઇ હતી. લગભગ અડધો કલાક  સુધી ચાલેલી મારામારીના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. એક શખ્સે તો સ્ટ્રેચર અને ટેબલ ઉંચકીને ફેંક્યા હતા.

તોડફોડના  પગલે પોલીસને જાણ કરવામાં આવતા રાવપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મામલો થાળે પાડયો હતો. પોલીસે આ અંગે હોસ્પિટલમાં હાજર સ્ટાફના નિવેદન લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, પરિણીતાએ કૌટુંબિક કંકાસના કારણે જીવન ટૂંકાવી દીધું હતું.