સુરતમાં તથ્ય કાંડ જેવી જ ઘટના,BRTS રૂટમાં નશામાં ધૂત કારચાલકે 6 લોકોને ઉડાવ્યા.

સુરત(surat):અકસ્માત થવાની ઘટનામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે, કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ  હવામાં ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધી હતી.

બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે  ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.,લોકોએ સાજન પટેલને કારમાંથી બહાર કાઢી  ખુબ માર પણ માર્યો હતો.

અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

એક ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન એટીએમમાંથી રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો,ત્યારે આ કારચાલકે અડફેટે લીધો હતો., હાલ મારા દીકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ત્રણ જેટલાં ઓપરેશન આવે એમ છે,તેના હાથમાં  ખુબ જ ઇજા થઇ છે. જ્યારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરિયાને પણ ઇજા પહોંચી છે.