આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, દીકરાને હેમખેમ ઈચ્છતા હોય તો 80 લાખ આપવાની ફોનમાં ધમકી અપાઈ.

જુનાગઢ (Junagdh ): ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ખૂટતો નથી. આ મોહમાં અને લાલચમાં જ હવે ગુજરાતીઓ છેતરાઈ રહ્યાં છે.  આવામાં વધુ એક ગુજરાતી યુવકને ગુજરાત પોલીસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવ્યો છે. જૂનાગઢ માંગરોળના યુવાનને આફ્રિકામાંથી ભારત લાવવામાં જુનાગઢ પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે.

મળતી જાણકારી મુજબ ,જુનાગઢના માંગરોળનો ફરહાન પરમાર નામનો યુવાન આફ્રિકામાં રોજગારી માટે ગયો હતો. 6 જૂન 2023એ ફરહાન પોતાના પરિવારને દેશમાં આવી રહ્યો છે તેવા ખુશીના સમાચાર આપ્યા હતા. ત્યાર બાદ અચાનક જ તેના પરિવારને 80 લાખની માંગણી કરતો હોવાનો આફ્રિકામાંથી ફોન આવ્યો હતો. તેમજ તેના પરિવારને ધમકી પણ આપવામાં આવી હતી.

ફરહાનને હેમખેમ ઈચ્છતા હોય તો 80 લાખ આપવાની ફોનમાં ધમકી અપાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહી જુનાગઢ પોલીસે મહત્વની કામગીરી બજાવી હતી. આખરે ફરહાનનો છુટકારો થયો હતો.

માંગરોળ પરત ફરેલા ફરહાને કહ્યું હતું કે, તેમને ત્યાં રહેવામાં અને નોકરી કરવામાં કોઈ તકલીફ ન હતી. તે જૂન મહિનામાં અહીં પરત ફરવાનો હતો. પરંતુ, સ્ટોરના હિસાબમાં ઘટ આવતા અંદાજે 80 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જે વાત મારા પરિવારને કરતા મારાપિતાએ પોલીસની મદદ માગી હતી.