લ્યો મળો બાગેશ્વરબાબાની સુરતી માતાને:ધીરેન્દ્ર શાસ્ત્રી મને મા કહે છે, મારા કહેવાથી ગુજરાતમાં દિવ્ય દરબાર લાગશે: કિરણ પટેલ

આજકાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચામાં છે,ત્યારે જ સુરત માં બાગેશ્વર બાબા નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે તેણે લઈએ ખુબ જ વિવાદ સામે આવી રહ્યા છે,ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ ગુજરાતમાં ચાલી રહી છે. ત્યારે સુરતની એક મહિલા દાવો કરી રહી છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાને માતા કહીને બોલાવે છે.

મહિલા પોતાનું નામ કિરણ પટેલ જણાવી રહી છે. કિરણ પટેલે જણાવ્યું હતું કે, મારા કહેવાથી જ ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું છે. મારા પુત્રનું હિન્દુરાષ્ટ્રનું સપનું એક દિવસ જરૂર સાકાર થશે.

કિરણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર હિન્દુરાષ્ટ્રની વાત કરે છે તેનાથી મને ગર્વ થાય છે. હું ઘણાં વર્ષોથી યુકેમાં હતી. દોઢ-બે વર્ષ પહેલા હું ધીરેન્દ્ર શાસ્ત્રીના સંપર્કમાં આવી છું. મેં ધીરેન્દ્ર શાસ્ત્રીને અમેરિકા ખાતે કથા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા માને છે.

કિરણ પટેલે કહ્યું  હતું કે, મને ગર્વ થાય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા સમાન માને છે, તે જ્યારે પણ મને મળે છે ત્યારે માતા કહીને જ સંબોધે છે. આવો શ્રેષ્ઠ સંસ્કારી પુત્ર કોને ન ગમે. જ્યારે પણ તે મને માતા તરીકે બોલાવે છે ત્યારે મને પોતાને પણ ગર્વનો અનુભવ થાય છે.

કિરણ પટેલે કહ્યું કે છ મહિનાથી હું ઇન્ડિયામાં છું, આઠેક વખત એમની કથામાં હાજરી આપી ચૂકી છું અને 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂકી છું.મધ્યપ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા શરૂ હતી એ દરમિયાન મને વિચાર આવ્યો કે, ગુજરાતમાં પણ દિવ્ય દરબારનું આયોજન થવું જોઈએ અને ખાસ કરીને સુરતમાં અચૂક થવું જોઈએ.

મેં મારી વાત મારા પુત્રને કરી કે, તમારે ગુજરાતમાં આવવું જોઈએ અને સુરતથી તેની શરૂઆત કરવી જોઈએ. તેમણે મારી વાત સ્વીકારી લીધી અને આખરે સુરતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ રાજકોટ અને અમદાવાદમાં પણ આ કાર્યક્રમ યોજાશે.