વડોદરા (Vadodra): અત્યારે છોકરીઓ છોકરાઓ કરતા વધુ આગળ નીકળી ગઈ છે એવું સાબિત કરતો બનાવ આજે સામે આવ્યો છે.મૂળ છોટાઉદેપુરની નમ્રતા હાલ વડોદરામાં સ્થાયી છે અને તેની માતા અને નાના ભાઈ સાથે રહે છે. બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલમાં BE કર્યું અને હવે કિક બોક્સિંગમાં કારકિર્દી બનાવી.
નમ્રતાએ તાજેતરમાં જ પંજાબના જલંધરમાં યોજાયેલી રાષ્ટ્રીય કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ જીત્યો હતો, જે તેની પહેલી જ નેશનલ ટુર્નામેન્ટ હતી અને હવે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમશે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જોકે એના માટે આ સફર જરા પણ સરળ નહોતી, કારણ કે તેને તેનાં સપનાં સાકાર કરવા માટે ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
નમ્રતાએ કહ્યું હતું કે , મારા પિતાના અચાનક મૃત્યુ પછી મારી માતા અને નાના ભાઈની જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. પિતાના મૃત્યુ પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પિતાના મોતના શોકને દૂર કરવા અને પરિવારની જવાબદારી સંભાળવા માટે મેં મારા શોખને જ હથિયાર બનાવ્યું. અગાઉ પણ મારા કિક બોક્સિંગને લઈને અનેક લોકોએ વિરોધ કર્યો, પણ જ્યારે દોઢ વર્ષની તાલીમ પછી આખરે મેં નેશનલ ચેમ્પિયનશિપમાં મારો પહેલો ગોલ્ડ મેળવ્યો અને આ વિરોધ કરનારા જ હવે મારા પર ગર્વ અનુભવે છે.