રાજકોટમાં રીક્ષાચાલકે યુવકની છરીના ઘા ઝીંકી કરી હત્યા : ચાર મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી .

રાજકોટ (Rajkot) :   મોટા  શહેરોમાં હત્યાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે એવામાં રાજકોટ  શહેર માંથી વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. ગોંડલમાં 8 જુલાઈએ રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક યુવક વિજય વોરાકોટડા રોડ પર આવેલી મઢુલીથી આગળ ચાની હોટલ પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યાર બાદ મૃતક વિજય આશરે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ ચાની હોટલેથી મિત્ર સાથે બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો, તે દરમિયાન થોડે આગળ જતાં આરોપી ધર્મેશ મુખનાથી રીક્ષા લઈને ઉભો હતો.

વિજયે આરોપીને તેની પાસે બોલાવી કંઈ વાતચીત થાય તે પહેલાં જ વિજયને પડખામાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતકે બુમો પાડતા લોકો દોડી આવતાં આરોપી ઘટના સ્થળેથી રીક્ષા મુકીને નાસી છૂટ્યો હતો.હત્યાના બનાવને લઈને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

બનાવને લઈને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી, તેને લઈને શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક વિજય બતાળા પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓમાં સૌથી મોટો હતો. યુવકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને હાલ 4 મહિનાનો દીકરો છે. મૃતક વિજય છોટા હાથી ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં મિત્રો અને સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.