જૂનાગઢ શહેરમાં પૂરનાં પાણી ઓસરતાં તારાજીનાં દૃશ્યો સામે આવ્યાં, દીવાલ હોય કે આરસીસી રોડ તમામ ધોવાઈ ગયા, તંત્રએ કામગીરી હાથ ધરી

જુનાગઢ (Junagdh ):જૂનાગઢ જિલ્લામાં શનિવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી ક્યારે ન જોઈ હોય તેવી આફત જોઈ હતી.કાચાં મકાનોમાં રહેતા લોકોના ઘરથી લઈ ઘરની તમામ સામગ્રી પાણીમાં વહી ગયાં હતાં.

મળતી જાણકારી મુજબ , લોકોના ઘરની કીમતી સામગ્રી, અનાજ, ઈલેક્ટ્રિક ઉપકરણો સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગયેલી જોવા મળી હતી. ભારેખમ વાહનો પણ પૂરનાં પાણીમાં તણાઈ ન જાય તે માટે લોકોએ દોરડાથી બાંધેલાં જોવા મળ્યાં હતાં.પૂરના પાણીમાં અનેક ગાડીઓ તણાઈને ક્યાંની ક્યા પહોંચી ગઈ છે. તો પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી કારો પડીકું વળી ગઈ છે. સ્થાનિક લોકોએ કહ્યું, 40 વર્ષ પહેલા આવો વરસાદ આવ્યો હતો. 40 વર્ષ પહેલાં આવી નુકસાની જોવા મળી નહોતી. આ વરસાદમાં વાહનો અને પશુઓ બધુ જ તણાયુ છે.

ભારે વરસાદના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.જૂનાગઢમાં ભવનાથ,રાયજી બાગ,મોતીબાગ. અને દોલત પરા સહિતના વિસ્તારોમાં સફાઈ કર્મીઓ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી હતી.