પત્ની છ મહિનાથી રીસામણે હોવાથી યુવકે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી કેનાલમાં પડતું મુક્યું,રીલ્સના શબ્દ છે,’કાલે હું નહીં રહું મારી યાદો હશે.

રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે, યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ હતુ. આ યુવાને કેનાલમાં પડ્યા પહેલા રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

ઉંદરાણા ગામના વતની  25 વર્ષના ઠાકોર પ્રવિણ કેવદાસએ થરાદ વાવ રોડ પર નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી છે,બે રીલ્સ બનાવી સોશ્યલ મીડિયા પોસ્ટ કરી કેનાલમાં પડતું મુક્યું હતું.પ્રથમ યુવકે કેનાલ પાસેના રસ્તા પર સુતા સુતા એક રીલ્સ બનાવી હતી. જેમાં તેણે કાલે હું નહીં રહું મારી યાદો હશે, દોસ્ત નહી દુશ્મન પણ રડી પડશે…. ગીત સાથે રીલ્સ બનાવી હતી.

બીજી રીલ્સમાં લોકો આપે દાખલા, જીવન એવું જીવ્યા, મનાતું નથી કે તમે હવે નથી રહ્યા…. ગીત સાથે કેનાલની બાજુમાં ચાલતા ચાલતા બીજી રીલ્સ બનાવી હતી.રીલ્સ બનાવ્યા પછી તેને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી કેનાલમાં છલાંગ લગાવી હતી.

પ્રવીન ભાઈના  લગ્ન પણ થઈ ગયા હતા. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી એમ બે બાળકો છે. પરિવારમાં અન્ય સભ્યોમાં માતા, પિતા, બે ભાઇઓ અને એક વિધવા બહેન છે.,પ્રવિણભાઇના પત્ની જેઓ છેલ્લા છ મહિનાથી રીસામણે બેઠેલા છે.તેઓ આગળના દિવસે તેના પત્નીને મળવા પણ ગયા હતા.

પત્નીને લીધે પણ આ પગલું ભર્યું હોઈ શકે છે,હજુ સાચું કારણ બહાર આવ્યું નથી,ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી,અને તાત્કાલિક મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું.પ્રવીનભાઈના આ દુખદ પગલાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.