દેશમાં આ જ વર્ષે હવે ઇન્ટરનેટ યૂઝર્સને ઝડપી કનેક્ટિવિટીની સુવિધા પ્રદાન કરવા માટે 5G નેટવર્ક લોંચ થવાની શક્યતા છે અને તેના માટે રિલાયન્સ જીયો, ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા જેવી કંપનીઓ વચ્ચે હોડ જામી છે ત્યારે આ વચ્ચે હવે 5G સ્પેક્ટ્રમ માટે આ દોડમાં સામેલ ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ટેલિકોમ કંપની ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે કહ્યું છે કે, ભારતની ડિજીટલ ફર્સ્ટ અર્થવ્યવસ્થાને સમર્થન આપવા માટે કંપની પોતાના શક્તિશાળી નેટવર્કની સાથે દેશમાં 5જી કનેક્ટિવિટી લાવવામાં સૌથી અવ્વલ રહેશે. દેશમાં થોડાક સમયમાં જ 5જી સ્પેક્ટ્ર્મ માટે બિડ પ્રોસેસ શરૂ થવાની છે ત્યારે આ દૃષ્ટિએ મિત્તલનું આ નિવેદન મહત્વપૂર્ણ છે.
મોક ડ્રિલનું આયોજન કરાશે
5જી સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઇના રોજ શરૂ થશે. તેમાં ઓછામાં ઓછા 4.3 લાખ કરોડ રૂપિયાના કુલ 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમને હરાજી માટે રાખવામાં આવશે. દૂરસંચાર વિભાગ આ પહેલા શુક્રવારે અને શનિવારે મોક ડ્રિલનું પણ આયોજન કરશે.
ડિજીટલ ફર્સ્ટ અર્થવ્યવસ્થાને પણ સમર્થન મળશે
ભારતી એરટેલના વાર્ષિક રિપોર્ટ 2021-22માં સુનીલ મિત્તલે કહ્યું હતું કે, ભારતમાં 5જી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં એરટેલ પોતાના શક્તિશાળી નેટવર્કની સાથે સૌથી આગળ હશે અને તેનાથી ભારતની ડિજીટલ ફર્સ્ટ અર્થવ્યવસ્થાને પણ સમર્થન મળશે. મિત્તલે વધુમાં ઉમેર્યું હતું કે, સ્પર્ધા પહેલા જ એરટેલે નેટવર્કના પરીક્ષણમાં 5જી સેક્ટરમાં પ્રગતિ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી પહેલી એવી કંપની છે જેણે ભારતમાં 5જી ક્લાઉડ ગેમિંગ અનુભવનું પ્રદર્શન કર્યું અને ગ્રામ્ય વિસ્તારમાં કનેક્ટિવિટી માટે 700 મેગાહર્ટઝ બેન્ડનું પણ સફળ પરીક્ષણ કર્યું.
નોંધનીય છે કે, એરટેલના મેનેજીંગ ડાયરેક્ટર ગોપા વિટ્ટલે પણ કહ્યું હતું કે, કંપની 5જી સેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.