ફરી સુરત સિવિલની બેદરકારી આવી સામે :સર્ટિફિકેટ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઓફિસની છતમાંથી વરસાદની જેમ પાણી વરસ્યું ..

સુરત (Surat ): સુરત શહેરમાં સિવિલ કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં હોય જ છે ત્યાં એક નવો બનાવ સામે આવ્યો છે .મળતી જાણકારી મુજબ ,સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઓફિસની છતમાંથી વરસાદની જેમ પાણી કોમ્પ્યુટર સહિતના સામાન પર પડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં જૂની ઓપીડી બિલ્ડિંગમાં પૂછપરછ વિભાગ પાસે આવેલી એક ઓફિસમાં દિવ્યાંગ સર્ટિફિકેટ કાઢવા અને આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળનો કાર્ડ કાઢવા સહિતની કામગીરી કરવામાં આવે છે.

જો કે, ધોધમાર વરસાદના લીધે સિવિલમાં દિવ્યાંગ સર્ટિફિકેટની ઓફિસની છતમાંથી વરસાદી પાણી ટપકવા લાગ્યું હતું.છતમાંથી પાણી ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર, કાગળો સહિતની જરૂરી વસ્તુઓ પર પડતા ભીના થઈ ગયા હતા. આ સાથે ઓફિસમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો.

જો કે આ અંગે ત્યાં અન્ય કર્મચારીઓને જાણ થતા ભાગદોડ થઈ અને ઓફિસ ખોલીને અંદર આવતા આખી ઓફિસમાં પાણી ભરાયેલું જોઈને ચોંકી ગયા હતા. બાદમાં ઓફિસમાં ભરાયેલા પાણીને ટબ અને ડોલ ભરીને બહાર કાઢ્યું હતુ. આવા સંજોગોના લીધે ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે.