વલસાડમાં ગાડી સ્લીપ થતા નોકરીથી પરત ઘરે જઈ રહેલા યુવકનું મોત,પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

વલસાડ(Valsad):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,ત્યારે વલસાડમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ ચાર રસ્તા પાસે એક યુવાન મોપેડ પર ઘરે પરત ફરતા રસ્તામાં ખાડામાં મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત સર્જાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,વલસાડના પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળિયામાં રહેતા 34 વર્ષીય, ભીખુભાઈ નારણભાઈ પટેલ ગત રાત્રિના વાપી LIC ઓફિસમાં પટાવાળાની ફરજ બજાવી મોપેડ લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા, તે દરમિયાન નાનાપોઢાથી ધગડમાળ ચાર રસ્તા પાસે રસ્તામાં પડેલ ખાડામાં મોપેડ  ભટકાતા  મોપેડ સ્લીપ મારી ગઈ હતી અને  ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી,અને મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું,ભીખુભાઈનું આમ અચાનક મોત થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.