ભાવનગર અને કમળેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા.

ભાવનગર(bhavanagar):અવાર નવાર ડીગ્રીને લઈને દગાખોરીના બનાવ સામે આવતા હોય છે,ભાવનગર માં વધુ એક કિસ્સો સામે આવ્યો છે,ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં તેમજ કમળેજ ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરને  ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

એસઓજી શાખાનો સ્ટાફ શહેરના ચિત્રા-સિદસર રોડ પર પેટ્રોલિંગમાં હતો, ટાંકી સામેના ભાગે આવેલ ક્લિનિકમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા દિનેશભાઈ પુનાભાઈ ભોજાણી રહે, વાળુકડ તા. ઘોઘા પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથી દવાઓ આપતા હતા.

દવાખાનામાં રાખેલ મેડિકલ સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન તથા સાધનો મળી કુલ રૂ.11,711 ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

વરતેજ તાબેના કમળેજ ગામમાં આવેલ મકાનમાં દવાખાનુ ખોલીને ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા મદીન કાળુભાઈ મકવાણાને ઝડપી લઇ મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો ઝડપી લીધા હતા.