અમદાવાદ ગોઝારા અકસ્માતમાં બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત:ત્રણેયના મૃતદેહ તેમના વતન પહોંચતા આખું ગામ હિબકે ચડ્યું,પાર્થિવદેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું..

બોટાદ (Botad ):અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના ગોઝારો અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ બનાવમાં મૃતકોમાં બોટાદના બે સંબંધી ભાઇઓ સહિત ત્રણ યુવકના કરુણ મોત નિપજ્યા હતા.જેમાં 19 વર્ષિય રોનક રાજેશભાઈ વિહલપરા (હાલ રહે. મોરારીનગર, પાળિયાદ રોડ, બોટાદ, મૂળ રહે. ચાચકા ગામ, તા. સુરેન્દ્રનગર) અને 20 વર્ષિય કૃણાલ નટુભાઈ કોડિયા (મૂળ રહે. મોરારી નગર-2, એસટી ડેપો બોટાદ)ના મોત થયા હતાં. આ બંને મૃતકના પિતા માસિયાઇ ભાઇઓ થાય છે. એટલે કે રોનક અને કૃણાલ સંબંધી ભાઇઓ હતા. જ્યારે તેમની સાથે 21 વર્ષિય અક્ષર અનિલભાઇ પટેલ (મૂળ રહે. સ્વામિનારાયણ નગર, ભાવનગર રોડ, બોટાદ)નું પણ મોત નિપજ્યું હતું.

ત્રણેય યુવકના મૃતદેહ તેમના માદરે વતન આવતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. બોટાદમાં લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી કૃણાલ અને અક્ષરના મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જે જોઈ લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા નહોતા.

બંનેનાં માતા-પિતાએ પોતાના વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું. જે દીકરાને 20થી વધુ વર્ષ સુધી ઉછેર્યો હતો તેના પાર્થિવદેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું હતું.અકસ્માતમાં મોતને ભેટેલા કૃણાલ અને તેના મિત્ર અક્ષરના અંતિમસંસ્કાર બોટાદ ખાતે કરવામાં આવ્યા હતા.

કૃણાલના સંબંધી ભાઇ રોનકના અંતિમસંસ્કાર તેમના પૈતૃક ગામ ચાચકા (જી. સુરેન્દ્રનગર) ખાતે કરવામાં આવ્યા હતા. આમ ત્રણ-ત્રણ યુવાનના મોત થતાં તેમના વતનમાં ગમગીની છવાઇ ગઇ હતી.