તાલાલાના લોકો નિંદર માણતા હતા ત્યાં જ હિરણ-2નાં પાણી ઘરમાં ઘૂસ્યાં, ઘર વખરી તેમજ ગાડી તણાઈ ગયા.

મેઘરાજા આ વર્ષે ખુબ  ધૂમ મચાવી રહ્યા છે ત્યારે,સોમનાથમાં જાણે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં હોય તેમ છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.મોડી રાત્રે હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલાતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને ગાડીઓ છાતી સમાણા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ હતી.

ગીર સોમનાથના તાલાલા તાલુકાની વાત કરવામાં આવે તો હીરણ ડેમ-2ના ઈતીહાસમાં એકસાથે રાત્રિએ તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા હતાં. જેનાં કારણે પૂરનું પાણી શહેરમાં ઘૂસતા રહેણાંક વિસ્તારમાં નદીઓ જેવાં દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર અનેક વાહનો તણાયા હતા. મોડી રાત્રિના સમયે લોકોમાં  ખુબ જ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તરવા લાગ્યો હતો અને સાથે અનાજ પણ પાણીમાં પલળી જવાંથી લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.નરસિંહ ટેકરી, આંબેડકર નગર ગુંદરણ ચોકડી, સોમનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારમાં જલતાંડવ જોવા મળ્યું હતું.