સાંસદશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

સાંસદશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી
કલેકટર કચેરી, ભરૂચ ખાતેનાં આયોજન હોલમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ જિલ્લાનાં તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોનાં લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
        જેમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન , પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ હતુ.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી દુષ્યંત ભાઈ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ,જબુસરના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સભ્યોશ્રી તથા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી સહિતના તમામ દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.